પતિના બેસણામાં રુદન કરતા પત્નીનું હાર્ટએટેકથી મોત

પતિના બેસણામાં રુદન કરતા પત્નીનું હાર્ટએટેકથી મોત
ગોંડલનો હૃદયસ્પર્શી બનાવ

    ગોંડલ શહેરના પંચવટી સોસાયટી ખાતે રહેતા કડિયા વૃદ્ધનું મંગળવારે નિધન થયા બાદ ગઇકાલે બુધવારે તેમના બેસણા પછી પત્નીએ પણ અનંતની વાટ પકડી લેતા કડિયા પરિવારે એકાએક સ્વજન ગુમાવતા હતપ્રભ થવા પામ્યો હતો. પતિના બેસણામાં તેની તસવીર સામે જોઇ બોલી ઉઠ્યા હતા કે તમે મને લીધા વિના કેમ જતા રહ્યા અને દમ તોડી દીધો હતો.
મૃત્યુમાં ય સાથ નિભાવ્યો   
લગ્ન સમયે નવદંપતી જન્મોજન્મના સાથ નિભાવવાના સોગંદ લેતા હોય છે અને નવવધૂ પતિના પંથે ચાલવાની કસમ લેતી હોય છે. ત્યારે ક્ષણભર એવા પ્રશ્નો પણ ઉદભવે કે શું એવા સોગંદ સાચા પડતા હશે. આવો જ કિસ્સો ગોંડલના પંચવટી સોસાયટીમાં રહેતા કડિયા પરિવારમાં બનવા પામ્યો હતો. નિવૃત કામદાર કલ્યાણ કેન્દ્રના હસમુખરાયનું મંગળવારે નિધન થવા પામ્યું હતું. જેનું ગઇકાલે બુધવારે બેસણું હોય સગા સ્નેહીઓ ગોહેલ પરિવારને દિલાસો આપવા પહોંચ્યા હતા, મહેમાનોના નીકળ્યા બાદ હસમુખભાઈના પત્ની દયાબેન ગોહિલે ઉ.વ. 70 પતિના ફોટા સામે બેસી અને બોલ્યા કે તમે મને લીધા વગર કેમ જતા રહ્યા બસ આ જ શબ્દો તેમના અંતિમ રહ્યા અને તેઓને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું.
દયાબેન 40 વર્ષથી પથારીમાં હતા
    પંચવટી સોસાયટીમાં રહેતું આ વૃદ્ધ દંપતી જીવનના અંતિમ દિવસો આનંદથી વિતાવતું હતું, સમાજ સેવાના કર્યોમાં પણ અગ્રેસર રહેતું હતું, દયાબેન 40 વર્ષથી પેરેલીસીસની બીમારીથી પીડાતા હોય અડધા અંગે જ સંતાનોના ઉછેર કર્યા હતા, 
દયાબેને એક કરોડથી વધુ રામનામ લખ્યા
એક કરોડથી વધારે રામ નામના જાપ બુકમાં લખી ચૂક્યા છે. શ્રી રામજી મંદિરના પૂ. હરિચરણ દાસજી બાપુ દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પિતાના નિધનની રાત્રે મોટા પુત્ર દિલીપભાઈ મનમાં વિચારતા હતા કે હવે પપ્પા વગર મમ્મીની સંભાળ કોણ લેશે તેને દવા કોણ આપશે, રાત્રે ઓઢાડશે કોણ, મમ્મી કપડાં કેમ પહેરશે પરંતુ મમ્મીએ સંતાનોની સેવા લીધા વગર અનંતની વાટ પકડતા હજુ પણ શોકમગ્ન છે.